લઘુવાર્તા: ચોવટની કરી ચટણી

વાર્તા: ચોવટની કરી ચટણી

તહેવારને લીધે ઘરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.યુવાન વહુ શ્રાવણી સાસુ મમતા બહેનની સાથે મળીને કામ કરી રહી હતી. દરેક ગામમાં એક ગામ ફોઇ હોય અને મહોલ્લામાં સવાઇ સાસુ એ આપણા ગુજરાતના શહેર કે ગામડાની આગવી વિશેષતા છે. 

સોસાયટીમાં રહેતા મમતાબેનના ઘરમાં બાજુવાળા ચંપાડોશી ખુલ્લાં ઘરમાં ડોકિયું કરતાં ધરાર પ્રવેશી ગયાં. અંદર આવતાં, "અલી મમતા! કાં લગણ આમ ઢહૈડા કરીહ? હવે તો આ હુંવાળીને માથે પાડ્ય! બૌ માથે સડાવી સ કાંઈ!" ચંપા ડોશીએ સ્વભાવ પ્રમાણે મમતાબેનના ઘરમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો, સીધા કાનવાળી ડોશીની વાત સાંભળી છતાં તેને અવગણી 

મમતાબેને કહ્યું," એ આવો બા! બેસો. બે જણાં કરીએ તો ઝટ પાર આવેને! પછી છુટ્ટાં. હાથપગ ચાલે ત્યાં સુધી તો કરું, પછી તો એ છે જ ને?"

ચંપાડોશી: " લે, વેવલી થા મા! આ આજકાલની સોડીયુંન અટલું જ ઝોવે! મમ્મી-મમ્મી કરતી જાય ને કામ કરાવતી જાય! લટકાં-મટકાં કરવામાંથી ઝરાય ઊંસી નો આવે.
"આ સાંભળીને શ્રાવણીની આંખો ભરાઈ આવી. મમ્મી અને પપ્પા ની લાડકી અને અહીં પણ સાસુ-સસરા એવા જ પ્રેમાળ! આવા બોલ ક્યારેય સાંભળ્યા નહોતા.
એને રડતી જોઈને ચંપાએ છીંકણીનો સડકો લઈને મોં મચકોડતાં ઓર ચલાવ્યું, " લે, મેં એવું તો હું કય દીધું તે આ શ્રાવણ-ભાદરવો વહાવે સ? ભલુ કોઈનું કરવું નઈ."

હવે મમતાબેનની ધીરજનો બંધ તૂટી ગયો. એ કહે, " શું બા તમેય વગર વાંકે બિચારીને રડાવી દીધી! એણે તો મને ના જ પાડી હતી. પણ મેં જ કહ્યું કે ઝટ પરવારીને સાથે ક્યાંક બહાર ફરી આવીએ. એને કાંઈ લેવું હોય તો શોપિંગ કરી આવીએ." 
ચંપાડોશી (ચાળા પાડતાં) : "બચાડીને રડાવી! વહુ તો જાણે તાર નવ નવાઈની આવી! હમજ જરા નકર્ય રોવાનો વારો તારો જ સે. હાહુપણું રાખતાં શીખ્ય! આ તો તારું પેટમાં દાઝેને અટલે કવ સવ."
હવે મમતાબહેનનો પારો ગયો. મર્યાદાનો બંધ તોડીને તેમણે સ્હેજ ઊંચા સ્વરમાં કહ્યું, 
"જુઓ બા, વડીલ છો એટલે તમારી અદબ જાળવું છું પણ એનો અર્થ એવો નહીં કે તમે જેમ ફાવે એમ બોલી જાવ. શ્રાવણી મારી દીકરી જ છે. એને માટે હવે પછી ક્યારેય બોલતા નહીં."
અહીં પોતાની દુકાન બંધ થતી જોઈ ચંપાડોશી નાકમાં છીંકણીનો મારો કરતાં, બબડતાં બબડતાં નીકળી ગયાં, "હું ય કાંય નવરી થોડી સવ. તું જાણ ને તારું ઘર જાણે. હુંહ. " પોતાની કારી કામ નહીં લાગી એનો અફસોસ ચંપા ડોશીને હતો. એ બીજે વેપલો કરવા નીકળી પડ્યાં!
મમતાબહેને શ્રાવણીના 
હાથને પ્રેમથી સાહ્યો. સાસુ - વહુ વચ્ચે હુંફાળા સ્મિતની આપ-લે થઈ. શ્રાવણી હળવી થઈને મનોમન સાસુમાને વંદી રહી.
*© :- નૂતન તુષાર કોઠારી 'નીલ'*
*- વાપી*
  





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વહુ દીકરી

અનોખી પ્રીત (માઈક્રોફિક્શન)