*અર્થનો અનર્થ*

સવાર સવારમાં હું વટ પાડવા હાથમાં સુંદર લાકડી લઈને ચાલવા નીકળ્યો. 
સામેથી મારા પંજાબી પાડોશી મિ. ચઢ્ઢા હાથમાં બ્રેડના બે પેકેટ લઈને આવતાં દેખાયા. આપણે તો હોશિયયારી મારતાં લાકડીથી નિર્દેશ કરીને કહ્યું, " એક મારું."
ખબર નહીં કેમ પણ એ તો ભડકી ગયા અને બાજુમાં પાર્ક કરેલા બાઈક પર પેકેટ મૂકીને, હું કાંઈ સમજુ કે સમજાવું એ પહેલાં તો એણે સીધો મને કોલર થી પકડ્યો. બે-ચાર કૂતરા ટાપશી પુરાવવા આવ્યા. હું લાકડી ઊંચીનીચી કરવા માંડ્યો. પણ આ તો પંજાબી બંદો! એમ કાંઈ છોડે? "મુઝે લકડી દિખાતા હૈ? મુઝે મારું? ઐસા બોલા?? 
એક કૂતરો બ્રેડ તરફ જીભ લપલપાવતો લાલચુ નજરે તાકી રહ્યો હતો. મારી નજર પડતાં જ મેં હતું એટલું  બળ એકઠું કરી એને કહ્યું, " ઉઠા લે, ઉઠા લે."
કરમજલી મારી લાકડી, મારી દુશ્મન ઊંચી થઈ ગઈ. ચઢ્ઢા સમજ્યો હું એને લાકડી બતાવી ધમકી આપુ છું અને હું એને બ્રેડનું પેકેટ ઉઠાવવા કહેતો હતો. બેની લડાઈમાં ત્રીજો ફાવે એ વાતને સાર્થક કરતું હોય એમ કૂતરું બ્રેડનું
પેકેટ લઈને ભાગવા ગયું ત્યાં તો લાકડી મારા હાથમાંથી છૂટીને નીચે પડો. બિચારા કૂતરા કુંઉ...કુંઉ.. કરતાં, મારી સામે ગુસ્સાથી જોતાં ભાગ્યા. હવે ચઢ્ઢા જરા ઠંડો પડ્યો.  કૂતરા જો બ્રેડ ઉઠાવી જતે તો બૈરી શું હાલ કરતે, એ વિચારે ચઢ્ઢા ચળી ગયો.

પછી મેં એને સમજાવ્યું કે મેં એને બ્રેડના પેકેટ માટે મજાક કરી હતી કે "આ મારું" નહીં કે લાકડી બતાવીને મારવાની વાત. વળી, બીજું કે "ઉઠા લે" બ્રેડના પેકેટ માટે કહ્યું હતું, ના કે ભગવાન તમને ઉઠાવી લે. પણ આ મારી લાકડી, જેને લઈને વટ પાડવા નીકળ્યો હતો, એણે મને ખોખરો કરી નાખ્યો. ગેરસમજ દૂર થતાં જ ચઢ્ઢા એક દિલેર પંજાબીની અદાથી મને હાથ પકડીને એના ઘરે લઈ ગયો.

*નૂતન તુષાર કોઠારી 'નીલ'*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લઘુવાર્તા: ચોવટની કરી ચટણી

વહુ દીકરી

અનોખી પ્રીત (માઈક્રોફિક્શન)